રાધાનું નામ

રાધાનું નામ તમે વાંસળીના સૂરમાંથી

વહેતું ના મેલો ઘનશ્યામ,

સાંજને સવાર નિત્ય નિંદા કરે છે

ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ…..રાધાનું નામ

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે

ખાલી બેડાની કરે વાત,

લોકો કરે છે શાને દિવસને રાતડી

મારા રે મોહનની પંચાત??

વળીવળી નીરખે છે, કુંજ ગલી પૂછે છે

કેમ અલી ક્યાં ગઇ તી આમ???…..રાધાનું નામ

કોણે મૂક્યું રે તારે અંબોડલે ફૂલ તેની

પૂછી પૂછીને લીયે ગંધ,

વહે અંતરની વાત એ તો

આંખ્યુંની ભૂલ જોકે હોઠોની પાંખડીઓ બંધ,

મારા મોંએથી ચહે, સાંભળવા સાહેલીએ

માધવનું મધમીઠું નામ……રાધાનું નામ

Advertisements

રૂઠયા રાધાજી મનાવ્યા

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધાં રે,

રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે

શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે

રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે…..આજ રે કાનુડે

રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,

આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે…..આજ રે કાનુડે

થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,

નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં  રે.

રૂઠયા રાધાજી મનાવ્યા….

સ્વાગત

આપનું આબ્લોગ પર  હાર્દિક સ્વાગત કરતાં મને ખૂબ ખૂબ આનંદ થાય છે.